હિંમતનગર-ઈડર હાઈવે પર દોઢલગઢ પાટિયા નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કાળા રંગની સ્કોર્પિયો કાર રસ્તા પરથી પસાર થઈ રહેલા પદયાત્રીઓ સાથે અથડાઈ હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં 10થી વધુ પદયાત્રીઓ અડફેટે આવ્યા હોવાનું જણાવાયું છે, જ્યારે એક પદયાત્રીનું મૃત્યુ થયું હોવાની માહિતી પણ સામે આવી છે.
અકસ્મતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ તલોદ તાલુકાના નાના ચેમલા ગામના મોહનભાઈ વાઘેલા તરીકે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા 12થી વધુ પદયાત્રીઓને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘટનાના પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્મતની ઘટનાને પગલે પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, સ્કોર્પિયો કાર કેવી રીતે પદયાત્રીઓ સાથે અથડાઈ અને વાહનચાલકની ભૂમિકા શું હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે લોકોની ભીડ પણ જોવા મળી હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે, જ્યારે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવી શકે છે.



