નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) દ્વારા પોતાના ૧૦મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા બે મહત્વના સમજૂતી કરાર (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને અનેક શૈક્ષણિક પ્રકાશનો તથા ડિજિટલ પહેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પીઆઈબીના અહેવાલ મુજબ, આ કાર્યક્રમની સાથે જ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન ‘કૌમારાકોન ૨૦૨૬’નું પણ સફળ સમાપન થયું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે બાળ સ્વાસ્થ્ય પર મંથન
સંમેલનના અંતિમ દિવસે આયુર્વેદિક બાળ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વૈજ્ઞાનિક સત્રો અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈંગ્લેન્ડ, શ્રીલંકા, જર્મની, નેપાળ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઈટાલી અને અમેરિકા સહિતના દેશોના નિષ્ણાતો, સંશોધકો અને નીતિ નિર્ધારકોએ ભાગ લીધો હતો. ચર્ચામાં પરંપરાગત, પૂરક અને સંકલિત ચિકિત્સા (TCIM) ની ભૂમિકા તેમજ બાળ ચિકિત્સા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગની સંભાવનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સંસ્થાના કૌમારાભૃત્ય વિભાગ દ્વારા આયોજિત આ સંમેલનમાં ઉદ્યોગ અને શિક્ષણ જગતના સમન્વય પર વિશેષ પેનલ ચર્ચા થઈ હતી. AIIA ના નિર્દેશક પ્રો. (વૈદ્ય) પી. કે. પ્રજાપતિ અને આયુષ મંત્રાલયના સલાહકાર ડો. એ. રઘુએ સંશોધન આધારિત ઉત્પાદન વિકાસ અને ગુણવત્તા જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, આયુર્વેદિક બાળ ચિકિત્સાને સશક્ત બનાવવા માટે નીતિગત સહયોગ અને વિશેષ શિક્ષણની જરૂરિયાત પર ગોળમેજી પરિષદમાં ચર્ચા કરવામાં આવી હતી.
નવા કરાર અને ડિજિટલ પહેલ
સ્થાપના દિવસના મુખ્ય સમારોહમાં લોકસભાના સાંસદ રામવીર સિંહ બિધૂડી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે AIIA એ નેશનલ આયુર્વેદ વિદ્યાપીઠ અને આરોગ્ય ભારતી સાથે બે અલગ-અલગ એમઓયુ કર્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાનનું આદાન-પ્રદાન અને સંસ્થાકીય સહયોગ વધારવાનો છે. આ ઉપરાંત ૧૫થી વધુ શૈક્ષણિક પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
સંસ્થા દ્વારા નવી ડિજિટલ બ્રાન્ડ આઈડેન્ટિટી મેન્યુઅલ આધારિત વેબસાઈટ, આયુષ પ્રોફેશનલ્સ માટે ‘FESDAP’ ઈ-કોર્સ અને સંશોધન પદ્ધતિ પર આધારિત પાઠ્યપુસ્તકનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ ‘રૂટેડ એન્ડ રાઈઝિંગ: જર્ની ઓફ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ’ નામની ઈ-બુકનું ઓનલાઈન વિમોચન થયું હતું, જેમાં સંસ્થાની દાયકાની વિકાસ યાત્રાને આલેખવામાં આવી છે.
અતિથિઓ અને સંચાલકોના પ્રતિભાવ
સાંસદ રામવીર સિંહ બિધૂડીએ વર્ષ ૨૦૧૬થી ૨૦૨૬ સુધીની સંસ્થાની પ્રગતિને બિરદાવી હતી અને વડાપ્રધાનના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. સંસ્થાના નિર્દેશક પ્રો. (વૈદ્ય) પી. કે. પ્રજાપતિએ આ સફળતાનો શ્રેય સમગ્ર AIIA પરિવારની દિવસ-રાતની મહેનતને આપ્યો હતો. આ પ્રસંગે પદ્મ ભૂષણ વૈદ્ય દેવેન્દ્ર ત્રિગુણ, પ્રો. ડો. અભિમન્યુ કુમાર અને ડો. અશોક કુમાર વર્ષ્ણેય સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.







