રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-2026 અંતર્ગત બાળકો માટે વિશેષ ચિત્ર પ્રવૃત્તિનું આયોજનઅરવલ્લી | 29 સપ્ટેમ્બર 2026રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-2026 અંતર્ગત અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા વિશેષ ચિત્ર પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજનાની થીમને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ પ્રવૃત્તિમાં નાના ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આંગણવાડી કેન્દ્રોમાં 3થી 6 વર્ષના બાળકો માટે ‘આનંદ અને ઉમંગના રંગો’ વિષય આધારિત ચિત્ર પ્રવૃત્તિ યોજાઈ હતી. બાળકોને આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ કલર તથા પ્રવૃત્તિ પુસ્તિકાનો ઉપયોગ કરાવી વિવિધ ચિત્રોમાં રંગપૂરણી કરાવવામાં આવી હતી.રંગો સાથે રમતા બાળકોએ પોતાની કલ્પના અને સર્જનાત્મકતાને કાગળ પર ઉતારી હતી. આવી પ્રવૃત્તિ માત્ર બાળકો માટે આનંદદાયક જ નહીં, પરંતુ તેમના કલાત્મક અભિવ્યક્તિ, સર્જનાત્મક વિચારશક્તિ અને આત્મવિશ્વાસના વિકાસમાં પણ મદદરૂપ બને છે.

બાળકોમાં સર્જનાત્મકતા કેળવવાનો પ્રયાસઆ સમગ્ર પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય નાની ઉંમરથી જ બાળકોમાં સર્જનાત્મકતા અને પોતાની કલ્પનાને વ્યક્ત કરવાની ક્ષમતા વિકસાવવાનો રહ્યો હતો. ચિત્ર અને રંગપૂરણી જેવી સરળ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શીખવાની સાથે આનંદ મળે તેવો માહોલ આંગણવાડી કેન્દ્રોમાં ઊભો કરવામાં આવ્યો હતો.અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં યોજાયેલી આ પ્રવૃત્તિમાં બાળકો ઉપરાંત આંગણવાડી કાર્યકરો અને સંબંધિત સ્ટાફે પણ ઉત્સાહપૂર્વક સહભાગીતા નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-2026ના માધ્યમથી બાળકોના પોષણ સાથે તેમના પ્રારંભિક વિકાસ, સર્જનાત્મકતા અને શીખવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં યોજાયેલી આ ચિત્ર પ્રવૃત્તિ પણ આ જ દિશામાં એક સુંદર પહેલ બની રહી છે.


