ગુજરાતી સોશિયલ મીડિયા જગતમાં પોતાની આગવી ગામઠી ભાષા, કોમેડી અને સામાજિક સંદેશાવાળા વીડિયોથી લાખો લોકોમાં ઓળખ બનાવનાર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’નું 17 સપ્ટેમ્બર 2026ના રોજ કરૂણ માર્ગ અકસ્માતમાં નિધન થયું. ભાભર-સૂઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બે બાઈક સામસામે અથડાયા હતા. અકસ્માતમાં ચંદન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ઘટનાની તપાસ પોલીસે હાથ ધરી છે.
અકાળે થયેલા આ અકસ્માતે માત્ર પરિવારને જ નહીં, પરંતુ ગુજરાતભરના તેમના લાખો ચાહકોને પણ હચમચાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડે પોતાની આગવી કોમેડી શૈલીથી સામાન્ય લોકોની ભાષામાં રોજિંદા જીવન, સંબંધો અને સમાજ સાથે જોડાયેલા વિષયો રજૂ કર્યા હતા. તેમના વીડિયો ખાસ કરીને ગુજરાતી યુવાનો અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓમાં લોકપ્રિય બન્યા હતા. અહેવાલો મુજબ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિશાળ સંખ્યામાં ચાહકો જોડાયેલા હતા.
સામાન્ય પરિવારથી લોકપ્રિય કલાકાર સુધીની સફર
ચંદન રાઠોડની સફળતા પાછળ લાંબો સંઘર્ષ છુપાયેલો હતો. તેમના પિતા ધેગાજી રાઠોડે દીકરાની જૂની યાદો વાગોળતાં જણાવ્યું કે પરિવારની પરિસ્થિતિ સામાન્ય હતી અને ચંદને જીવનમાં પોતાની મહેનતથી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. અભ્યાસ બાદ તેમણે કામકાજ અને મજૂરીના દિવસો જોયા. રોજગારી માટે બહાર જવાની સાથે પરિવારને મદદરૂપ થવાની જવાબદારી પણ નિભાવતા રહ્યા. તેમની આ જ સંઘર્ષભરી સફર બાદ ધીમે ધીમે સોશિયલ મીડિયા તેમની ઓળખનું માધ્યમ બન્યું.
શરૂઆતમાં વીડિયો બનાવવાની પ્રવૃત્તિ ધીમે ધીમે તેમની કારકિર્દી બની ગઈ. કોમેડીના પોતાના આગવા અંદાજ અને સ્થાનિક ભાષાના ઉપયોગથી તેમના વીડિયો લોકો સુધી પહોંચવા લાગ્યા. ટિકટોકથી શરૂઆત કર્યા બાદ પ્લેટફોર્મ બદલાતા તેમણે યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમો પર પોતાની ઓળખ મજબૂત બનાવી. સમય જતાં ‘ગુજ્જુ લવ ગુરુ’ નામ પોતે જ તેમની ઓળખ બની ગયું. અહેવાલો અનુસાર તેઓ ગુજરાતી ફિલ્મો અને કોમેડી કાર્યક્રમો સાથે પણ જોડાયા હતા.
અકસ્માતના દિવસે શું બન્યું?
પરિવારના જણાવ્યા અનુસાર 17 સપ્ટેમ્બરના રોજ ચંદન શૂટિંગ માટે ઘરેથી નીકળ્યા હતા. તેમના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચંદને તેમને થોડા સમય બાદ પરત આવવાનું કહ્યું હતું, પરંતુ થોડા જ સમય પછી પરિવારને તેમના ગંભીર અકસ્માતના સમાચાર મળ્યા. બીજી તરફ પોલીસની પ્રાથમિક માહિતી મુજબ ભાભર-સૂઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક બે બાઈક વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. ચંદનને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
અકસ્મત બાદ સોશિયલ મીડિયા પર અકસ્માતને લઈને અનેક ચર્ચાઓ અને શંકાઓ પણ જોવા મળી હતી. ખાસ કરીને અકસ્માતની સ્થિતિ અંગે વિવિધ સવાલો ઉઠ્યા હતા. જોકે ભાભર પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ ઘટના બે બાઈક વચ્ચેની ટક્કર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા અકસ્માતના સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર ચાલતી અટકળો કરતાં સત્તાવાર તપાસના તારણોને જ આધાર માનવો જરૂરી છે.
છેલ્લી રીલ બની ચર્ચાનો વિષય
ચંદન રાઠોડના નિધન બાદ તેમની અકસ્માતના થોડા કલાકો પહેલાંની સોશિયલ મીડિયા રીલ્સ પણ ચર્ચામાં આવી છે. અહેવાલો મુજબ અકસ્માતના આશરે ચાર કલાક પહેલાં તેમણે જીવન અને મૃત્યુની અનિશ્ચિતતા અંગે વાત કરતી રીલ્સ પોસ્ટ કરી હતી. તેમના નિધન બાદ આ વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને ચાહકો માટે આ ઘટના વધુ ભાવુક બની ગઈ. જોકે આ રીલ્સને અકસ્માત સાથે કોઈ સીધો સંબંધ હોવાનો પુરાવો સામે આવ્યો નથી.
હસાવનાર કલાકારની સફર અચાનક અટકી
સામાન્ય પરિવારથી શરૂઆત કરીને પોતાના સંઘર્ષ, મહેનત અને સર્જનાત્મકતાના બળે સોશિયલ મીડિયા પર આગવી ઓળખ ઊભી કરનાર ચંદન રાઠોડની સફર તેમના અકાળે અવસાન સાથે અચાનક અટકી ગઈ છે. તેમના પિતા અને પરિવારજનો માટે આ માત્ર એક લોકપ્રિય કલાકારને ગુમાવવાનો આઘાત નથી, પરંતુ પરિવારના એક મહત્વપૂર્ણ સભ્યની અચાનક વિદાય છે. તેમના અવસાનના સમાચાર બાદ વાવ-થરાદ, સુઈગામ અને આસપાસના વિસ્તારમાં તેમજ સોશિયલ મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
ચંદન રાઠોડ આજે નથી, પરંતુ ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે તેમણે બનાવેલી ઓળખ, તેમની કોમેડી અને લોકોને હસાવવાની તેમની આગવી શૈલી તેમના ચાહકોની યાદોમાં લાંબા સમય સુધી જીવંત રહેશે.







